Hey You!
શું તમારી આજુ બાજુમાં કોઈ બાળકને મન્દબુધ્ધીના લક્ષણ છે?
રોહન એક 8 વર્ષનું બાળક છે. રોહનના માતા-પિતા એને મનોચિકિત્સક પાસે લઈ આવ્યા કારણ કે 8 વર્ષની ઉંમરે પણ રોહનને કપડામાં જ પેશાબ કરવાની ટેવ હતી. વધારે માહિતી મેળવતા ખબર પડી કે રોહનને બોલવામાં પણ તકલીફ પડતી હતી. રોહન મોટા ભાગે 4 થી 5 શબ્દોના જ વાક્યો બોલે. શાળાથી પણ રોહન ભણવામાં નબળો છે એવી ફરિયાદો સતત આવ્યા કરે. કોઈ જાણીતા માણસને મળે તો છેલ્લે મળેલા ત્યારે કરેલી વાતો રોહનને યાદ ન રહે, અને કોઈ નવા માણસને મળે તો કઈ રીતે અને શું બોલવું એ પણ રોહનને જ્ઞાત ન હોય. આ બધા લક્ષણો મંદબુધ્ધી અથવા ઇન્ટેલેક્યુઅલ ડિસેબિલિટીના છે. આપણા સમાજમાં મંદબુધ્ધીથી પીડિત વ્યક્તિ પર ખૂબ હસી મજાક ઠઠ્ઠા થતા હોય છે. મંદબુધ્ધી શબ્દનો પ્રયોગ પણ લોકો એક બીજાને હેરાન કરવા અને મજાક કરવા એટલો સહજપણે ઉપયોગ કરતા હોય છે કે એ શબ્દ એક જાતનો અભદ્ર શબ્દ બની ગયો છે. સાચા અર્થમાં ઇન્ટેલેક્યુઅલ ડિસેબિલિટી એક જાતની ડિસેબિલિટી જ છે અને એ વ્યક્તિને એવા બધા લાભો પણ મળે છે જે આપણા સમાજમાં નિયમાનુસાર કોઈ પણ વિકલાંગને મળે છે.
શું તમારી નજીકના કોઈ બાળકને આ લક્ષણો છે?
શું એ પોતાની ઉંમર અનુસાર થવા જોઈતા શારીરિક વિકાસ કરતા પાછળ છે?
શું એને પેશાબ (આશરે 5 વર્ષની ઉંમર પછી) અથવા જાડા (આશરે 4 વર્ષની ઉંમર પછી) અથવા બન્ને ક્યારેય કપડાં માં થઇ જાય છે?
શું એને લેખિત અથવા બોલવામાં વાક્યરચનામાં તકલીફ પડે છે?
શું એને લખેલી અથવા બોલેલી ભાષા સમજવામાં તકલીફ પડે છે?
શું એને સામાજિક નિયમો સમજવા અને એનું પાલન કરવું અઘરું પડે છે?
શું એને સામાજિક રીતે લોકોને મળતા સમયે એમની જોડે કઈ રીતે અને શું બોલવું અને શું ન બોલવું એમાં તકલીફ પડે છે?
શું એની ઉંમરના લોકોને એની જોડે અને એને એમની જોડે ફાવે એના કરતા નાની ઉંમરના લોકો જોડે વધારે ફાવે છે?
જો તમારા નજીકના કોઈ બાળકને આ 7 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોનો જવાબ હા આવતો હોય તો તેમને નજીકના મનોચિકિત્સકને બતાવવા જરૂરી છે.
બાળકને મન્દબુધ્ધી થવાના ઘણા કારણો હોય શકે છે:
માતાની મોટી ઉંમર
માતાને પ્રેગનેંસી દરમ્યાન થયેલો કોઈ રોગ
ડિલિવરી દરમ્યાન કોઈ હદસો
કોઈ બીજો શારીરિક રોગ
માતાને પોતાની બીમારી માટે લેવાતી દવા જે પ્રેગનેંસી દરમ્યાન લેવાય તો બાળકને મંદબુધ્ધી કરાવી શકે
માતાને દારૂનું વ્યસન
ઘણીવાર કોઈ કઠોર કારણ ન પણ હોય.
કોઈ પણ વ્યક્તિની બુદ્ધિને મંદબુદ્ધિ ત્યારે કહેવાય જયારે એની પાસેથી સમાજ અને ક્લચરમાં એ ઉંમરે રાખવામાં આવતી અપેક્ષઓ એ વ્યક્તિ પૂરું ન પાડી શકે. એ વસ્તુ સ્કૂલથી આવતી ફરિયાદો હોય શકે અથવા સામાજિક રીતે બોલવા કરવાનો ભાસ ન હોવો હોઈ શકે.
મંદબુદ્ધિની કોઈ ચોક્કસ સારવાર નથી. પરંતુ અમુક વસ્તુઓ ચોક્કસ થઈ શકે:
ખાસ જાતની શાળામાં એડમિશન
વ્હાલીઓને પણ શું અપેક્ષાઓ રાખવી એનું જ્ઞાન
બાળકનો વિકાસ કઈ રીતે થઇ શકે એના માટે વ્હાલીઓની ટ્રેનિંગ
સપોર્ટ ગ્રુપ જેમાં વ્હાલીઓ પોતાના અનુભવો નિખાલસતાથી કહી શકે
બાળકને બીજી શારીરિક તકલીફો જેમકે ખેંચની સાચી સારવાર
મન: મંદબુદ્ધિથી પીડિત વ્યક્તિને સમાજમાં સમ્માનથી રહેવાનો એટલોજ હક્ક છે જેટલો કોઈ પણ બીજા વ્યક્તિને. એ હક્કને સ્વીકારીને એની રક્ષા કરવી આપણી ફરજ છે.
મોટિવેશન વર્સસ હૅબિટ .... પ્રેરણા વધુ મહત્વની કે આદત
પ્રેરણા વધુ મહત્વની કે આદત
Motivation Vs. Habit
હમણાં મારી પાસે એક રસપ્રદ કેસ આવ્યો.
એનું નામ વિશાલ. એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. દેખાદેખીમાં નક્કી કર્યું કે બોડી તો મજબૂત હોવું જ જોઈએ. તરત જ શુભ વિચારને અમલમાં મૂક્યો અને એક જાણીતા જીમની ફી પણ ભરી દીધી. શરૂઆતના ત્રણ-ચાર દિવસ બહુ હોંશે હોંશે જીમમાં ગયો, પણ પાંચમા દિવસે સવારે ઊઠતી વખતે મસલ્સ પેઈન થતું હતું અને પગના ગોટલા ચડી ગયા હતા એટલે આળસ ચડી. છઠ્ઠો-સાતમો-આઠમો દિવસ આવ્યો અને વિશાલભાઈનો જીમ-મેનિયા પૂરો થઈ ગયો.
આવું કંઈ પહેલી વાર નથી થયું. દરેક કામમાં એ 'આરંભે શૂરા'ની માફક બહુ હોંશ દાખવે, પણ પછી તરત એમાંથી પાછી પાની કરી લે. આ કેસ માત્ર વિશાલનો નથી, આપણી દરેકની સાથે આવું થતું જ હોય છે.
આપણા બધામાં મોટા ભાગે પ્રેરણાની કમી હોતી નથી. મોટા ભાગના મોટીવેશનલ સ્પીકર પણ ત્યાંજ માર ખાઈ જતા હોય છે. તેઓ લોકોને પ્રેરિત કરવામાં સફળ જાય છે અને એટલે એમના 2 અથવા 3 કલાકના પ્રોગ્રામો સફળ જતા હોય છે. પરંતુ એ પ્રેરણાના બળથી શરૂ કરવામાં આવેલું કોઈ પણ કામ, જેમકે જીમ જવાનું હોય, અથવા રોજના 12 કલાક પરીક્ષા માટે વાંચન કરવાનું હોય, એ શરૂઆતમાં આપણી પર્સનાલિટી વિરુદ્ધ પણ અમુક સમય માટે થઇ શકે. જો એ કામ આપણે લાંબા સમય સુધી જાળવી રાખવું હોય, તો એને આપણી પર્સનાલિટીનો જ એક ભાગ, એટલે કે આદત બનાવવી પડે.
શરૂઆતમાં રોજ ઉઠીને બ્રશ કરવાની અને સમયસર ન્હાઈ લેવાની આદત આપણા માવતરે પડાવી હોય છે. એ આદત બનાવવી સહેલી નહોતી. પરંતુ હવે એ આદત આપણા રૂટિનમાં એ હદે વણાઈ ગઈ છે કે એ કર્યા વિના આપનો દિવસ આરંભ પણ નથી થતો અને એ કરવા માટે આપણે કોઈ વિશેષ પ્રેરણાની પણ જરૂર નથી હોતી..
ખુબજ પ્રખ્યાત ફૂટબોલ કોચ બિલ વોલ્શે કહેલું છે કે "ધ સ્કોરબોરડ ટેક્સ કેર ઓફ ઇટ્સેલ્ફ". ધ્યાન હંમેશા આપણી સ્કિલ એટલે કે આપણા કામમાં સુધારો કઈ રીતે લાવવો એના પર રાખવું જોઈએ. મતલબ, તમે જે કરો એ અંદરથી, સહજ રીતે બને કે જાણે એક આદત જ હોય તો આવી અનેક સમસ્યા નો સામનો ના કરવો પડે અને સરળતાથી સતત પ્રયત્ન, થાક્યા વિના કરીને ધ્યેય પ્રાપ્તિ કરી શકાય.
અર્જુનની માછલીની આંખ વાળી વાર્તા આપણને ધ્યેયલક્ષી બનતા શીખવે છે, એ કહે છે કે નજર હંમેશા ધ્યેય પર રાખવી. અહી ધ્યેય જ પ્રેરણા બને છે અને હંમેશા નિશાન તાકવા ની અર્જુનની સતત સહજ પ્રેક્ટિસ એ આદત છે. એટોમિક હૅબિટ્સ જેવા અનેક પ્રખ્યાત પુસ્તકો, માત્ર ધ્યેયલક્ષી વિચારને વધુ પડતું મહત્વ આપવાના વિરોધમાં છે અને સતત, સહજ, પ્રયત્ન કે જે "આદત" બની જાય એની વાત કરે છે એ કહે છે કે ધ્યેયલક્ષી વિચારની અમુક તકલીફો છે:
ધ્યેયલક્ષી વિચારથી થતી તકલીફો :
૧. જ્યારે આપણે ધ્યેયલક્ષી વિચાર કરીએ છે તો આપણે આપણી ખુશીને જ્યાં સુધી એ ધ્યેયનો સમય ન આવે ત્યાં સુધી મુલત્વી કરીએ છે. આપણે ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયાને માણતા નથી, જેમકે પરિક્ષાલક્ષી વાંચવા વાળા લોકો પરીક્ષા પતે ત્યાં સુધી કસરત કરવી, પોતાનું અને પોતાના પરિવારનું, સામાન્ય જીવનનું બિલકુલ ઘ્યાન રાખવું, વિગેરે ને મહત્વ આપતા નથી એટલે આ તૈયારી સ્ટ્રેસફુલ રહે છે. પછી પરીક્ષા પતે એટલે એમની સ્પ્રિંગ ઉછળે છે, જે આપણે બધાએ જોયેલું અથવા અનુભવેલું છે.
૨. ધ્યેયલક્ષી વિચાર લાંબાગાળે થતી પ્રગતિ પણ અટકાવે છે. ધ્યેયલક્ષી વિચારનો સાર ધ્યેયપ્રાપ્તિ હોય છે, રમત જીતવું એ લક્ષ્ય હોય છે, જ્યારે આદતલક્ષી વિચારનો લક્ષ્ય રમતમાં રહેવું અને આપણી રમત સુધારવું હોય છે.
૩. જીતવા વાળા લોકો અને હારવા વાળા લોકો બન્નેનો લક્ષ્ય રમત જીતવાનો જ હોય છે. પરીક્ષામાં પ્રથમ કોને નથી આવવું હોતું? દરેક મેચમાં સેંચુરી ક્યાં બેટ્સમેને નથી મારવી હોતી? એટલે એક વસ્તુ સિદ્ધ થાય છે કે જીતવા વાળા લોકો અને હારવા વાળા લોકો વચ્ચેની તફાવત દ્યેયલક્ષી વિચારવું નથી હોતું, પણ તેમની આદતો હોય છે.
આપણે આપણું જીવન બદલવું હોય, તો સામાન્ય પણે આપણને કહેવામાં આવે છે કે જીવનમાં મોટા-મોટા ફેરફારો કરવા પડશે, આપણે બધા જ એક મોટો મનાતા ફેરફારને સફળતા માટે ખૂબ વધુ મહત્વ આપીએ છે અને લાંબા સમય સુધી જાળવેલા નાના નાના ફેરફારોને આપણે નજરઅંદાજ કરીએ છે. સાચ્ચો બદલાવ ત્યારે આવે છે, જ્યારે ઘણા બધા નાના નાના બદલાવો આપણે લાંબા સમય સુધી જાળવી રાખીએ અને એની થતી અસરોનો સરવાળો થાય. એટલે આદતો પર જો આપણે કામ કરશું તો એ થયેલું કામ લાંબા સમય સુધી જાળવી પણ રખાશે અને એના સારા પરિણામો જાતે જ મળશે.
એ સાચી વાત કે કોઈ પણ ધ્યેય ની શરૂઆત એક પ્રેરણાથી થાય, અને ધ્યેય નું નિર્માણ થાય, આ ધ્યેય પ્રાપ્તિ માટે જે કાર્ય સતત અને સહજ કરવું પડે, એ માટે ની વર્તણુક એટલે આદત.
આદત બનાવવા માટેનો પેલ્લો પડાવ તો મોટિવેશન છે જ, એમાં કોઈ બે મત નથી, પરંતુ મોટિવેશનના પણ ૨ પ્રકારના હોય છે. પહેલું આવે, બાહ્ય અથવા એક્સટ્રીન્સિક મોટિવેશન, સાદા શબ્દોમાં કહું તો જ્યારે વ્યક્તિ એવું નક્કી કરે કે હું જીમ એટલે જાઉં છું કારણકે મારે 6 પેક એબ્સ જોઈએ છે તો એનું મોટિવેશન એક્સટ્રીન્સિક છે. એ લોકો ને 6 પેક એબ્સ કદાચ થોડા મોડા આવશે, કે તકલીફ પડે , નિરાશા આવશે, તો આ ધ્યેય પ્રાપ્તિની મુસાફરી માં મજા ના આવે, અને ક્યારેક વિચલિત થઈ જીમ જવાનું છોડી પણ દેશે. પણ લાંબા સમય સુધી જાળવી શકાય એવું મોટિવેશન હોય આંતરિક અથવા ઇન્ટ્રિનસિક મોટિવેશન, એટલે કે એવા લોકો જે જીમ જાય છે સેહત બનાવવા માટે, જે અંદર થી પોતાની તંદુરસ્તી માટે જીમ જાય છે, એના માટે એના મસલ્સ ની વધતી સ્ટ્રેંથ જ પ્રેરણા બને છે, ધીમે ધીમે એજ 6 પેક્સ તરફ અવિરત પ્રગતિ કરાવશે અને એ જીમ જવાનું છોડશે નહીં, 6 પેક એબ્સ આવ્યાના અમુકજ દિવસો અથવા મહિનાઓમાં એ જીમ જવાનું મૂકી નહિ દે.
આજનો સવાલ એ છે કે ...
એ પછી હવે આદત બનાવવી કઈ રીતે?
સામાન્ય વર્તન આપણે વિચારી ને પ્રયત્નો સાથે કરવું પડે છે જ્યારે વારંવાર એક નું એક વર્તન કરીએ, એના લાભો વિચારીએ ત્યારે ધીમે ધીમે એ સહજ આદત બની જાય છે.
કોઈ પણ વર્તન ને આદતમાં બદલાવવાના 4 મુખ્ય પગલાં હોય:
ક્યુ (ઈશારો - સંદેશ)
ક્રેવિંગ (તલપ - ચાહ)
રિસ્પોન્સ (વર્તન)
રિવોર્ડ (ફળ)
ક્યુ (ઈશારો - સંદેશ)
ઘણો ખરો આ મોટીવેશન નો ભાગ કહી શકાય. કોઈને ફીટ જોઈને, ના થાકતા જોઈ ને ખુદ ને મહેસૂસ થાય કે હું ફીટ નથી. મારે ફીટ રહેવું જોઈએ, એ ફીટ છે તો થાકતો નથી, ઘણા ફાયદા છે આવી ઘણી પ્રેરણા, હિંટ મળે છે.
ક્રેવિંગ (તલપ - ચાહ)
હું પણ કઈક આવું મેળવું, એનાથી ઘણા ફાયદા છે, એ મને મલી જાય તો કેવું ? મારા મસલ્સ બોડી બિલ્ડર જેવા ના હોય તો કંઈ નહિ પણ આટલો નમાલો, માયકાંગલો તો કેમ ચાલે, ચાલો મારે પણ ફીટ થવું છે.
રિસ્પોન્સ (વર્તન) એક્શન
આ માટે નિર્ણય કરીને જીમ જઈએ... એ કસરત માં આનંદ મળે, એના થાક માં પણ એક જાત નું રીલેક્સ મહેસૂસ થાય, એક દી કસરત ના કરીએ તો સુસ્તી લાગે, ખૂટતું લાગે, મઝા ના આવે, કામ બરોબર ના થાય, એ અંદર નો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ કહેવાય.
રિવોર્ડ (ફળ)
ધીમે ધીમે મસલ્સ ટાઇટ ફીલ થાય, થાક ઘટતો જાય ઊલટાનું ખુશમિજાજ રહેવાય, કામ નો બોજ ન લાગે, કામ ની ક્ષમતા વધતી જાય, આ બધું આપણે સાચી દિશા માં છીએ એ મહેસૂસ કરાવે છે. આત્મવિશ્વાસ નો અહેસાસ કે આપણે આપણી ધ્યેય પ્રાપ્તિ તરફ ચોક્કસ આગળ વધીએ જ છીએ.
પરંતુ જો આ પ્રક્રિયા માં પોસ્ટર માં જોઈ ને 6 પેક એબ કે બોડી બિલ્ડર ના મસલ્સ જોયે રાખીએ તો ? રોજ ની મજા, સતત થતી પ્રગતિ અને મળતી તંદુરસ્તી અને એના ફાયદા ભુલાઈ જાય. રોજ ના જીમ ના આનંદ ને બદલે બહાના ને આળસ છેતરી જાય. તો આ છે આદતનું મહત્વ.
આવી જ ક્રિયા થી આપણી કામ કરવાની ખરાબ આદતો કે સિગરેટ , ગુટકા જેવા કોઈપણ વ્યસન સાથે પણ લડી શકાય છે અને જીત મેળવી શકાય છે
કોઈ પણ વર્તન પાછળનું વિજ્ઞાન જાણ્યા પછી એ જાણવું ખૂબ જરૂરી છે કે હવે વર્તન અને મૂળભૂત આદત બદલવું કઈ રીતે?
સૌપ્રથમ અને સૌથી સહેલો રસ્તો છે પર્યાવરણ અથવા એન્વિરોન્મેન્ટ ડિઝાઇન. આપણા અને સારી આદત વચ્ચે બને એટલા ઓછા અને આપણા અને ખરાબ આદત વચ્ચે બને એટલા વધારે પગલાં રાખવા. એમેઝોન અથવા ફ્લિપકાર્ટનો ઉપયોગ કરતા લોકો જાણતા હશે કે જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટનું પેજ ખોલો તો તરત જ એના ફોટાની નીચેજ બટન હશે “બાય નાઉ” લખેલું. એમના માટે સારી આદત છે કે કસ્ટમર તરત પ્રોડક્ટ જોતા જ જયારે એ સૌથી વધુ ઇચ્છુક હોય ત્યારે એના માટે પ્રોડક્ટ ખરીદવી એકદમ સહેલું પડવું જોઈએ. એવી જ રીતે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ જેમકે નેટફ્લિક્સ અથવા એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ કેન્સલ કરવાનો જ્યારે તમે પ્રયાસ કરો ત્યારે લગ્નમાં જમાઈને કરવામાં આવે એના કરતા પણ વધારે આગ્રહથી પૂછવામાં આવે કે શું તમે શ્યોર છો? વડી અલગ રીતે પૂછવામાં આવે કે શું તમે સાચ્ચેજ શ્યોર છો કે તમારે મેમ્બરશિપ કેન્સલ કરવી છે? આ ઉદાહરણથી શીખવા મળે છે કે સારી આદત જેમકે વાંચવું એ આપણે સહેલું બનાવવું જોઈએ અને ખરાબ આદત જેમ કે સિગારેટ પીવી એ અઘરું બનાવવું જોઈએ.
જીમના ઉદાહરણને આગળ લઈ જતા આપણે આપણા એવું જીમ પસન્દ કરવું કે જે ઘરથી એકદમ નજીક હોય, જેની એક બ્રાન્ચ ઑફિસ પાસે પણ હોય, સાથે સાથે અમુક સાદા સાધનો ઘરે પણ હોય કે જે થી કરીને જયારે જીમ જવું શક્ય ના હોય, ત્યારે પણ અમુક બેઝિક કસરત આપણે ઘરે પણ કરી શકીએ.
સાથે સાથે હજી એક મહત્વની વસ્તુ છે કે એવી વસ્તુઓથી પોતાને ઘેરવુ કે જે આપણને સારી આદતો વિશે યાદ અપાવે, એટલે કે ક્યુ આપે. જેમકે જ્યારે આપણે જીમ જઈએ તો ત્યાં સારા સારા વાક્યો અથવા પ્રેરણાદાયક બોડી બિલ્ડરના ફોટો રાખવામાં આવે છે, એટલે ત્યાંના માહોલમાં સામાન્યપણે ઘર કરતા વધારે કસરત થઇ શકતી હોય છે.
ત્રીજી અને કદાચ એકદમ સરળ વાત છે કે જ્યારે આપણે એક એવી આદત બનાવતા હોઈએ કે જેના સારા પરિણામો આપણને તરત જોવા નથી મળતા , તો એવી આદતો સાથે કઈંક એવું જોડવું જોઈએ જે આપણને તરત ખુશી આપે. એક સાદું ઉદાહરણ છે કે પરિક્ષા સમયે કલ્લાકો વાંચવું પડે છે પરંતુ સાથે કોઈ તાત્કાલિક ખુશી નથી હોતી. તો એવા સમયે એક મહત્વનો ટોપિક સરસ પૂરો થવા પર ટીચર પાસેથી મળતી શાબાશી, અથવા આપણી મનગમતી સ્ટેશનરીની વસ્તુ લેવી એ જરૂરી છે કે જેથી ડોપામીન નાંમનું મહત્વનું રસાયણ મગજના એ ભાગમાં બને જ્યાંથી આપણને આનંદ મળે અને એ ને એ ક્રિયા પાછું કરતુ રહેવાનું મન થાય. જીમ આપણે આપણા એવા કોઈ મિત્ર જોડે જોઈન કરીએ કે જેની જોડે વાતો કરવાની મજા પણ આવતી હોય પણ રોજબરોજની જિંદગીમાં એને મળવાનો સમય આપણને મળતો ન હોય.
આવી ટેક્નિકથી બનાવવામાં આવેલી નાની-નાની પણ ખૂબજ મહત્વની આદતો જ્યારે લાંબા સમય સુધી જાળવવામાં આવે છે ત્યારે અને માત્ર ત્યારે જ સારી આદતો ના સરવાળે સારું ફળ અને સારી સફળતા હાથ લાગે છે.
મન : પ્રેરણા અને આદતની આ જંગમાં આપણો વિજય ત્યારે થઈએ છે જ્યારે આપણે પ્રેરણા રૂપી ચિંગારી ને આદતના પેટ્રોલથી ખૂબ લાંબા સમય માટે જલતી રાખી શકીએ..
કઈ રીતે બનીશું એક સફળ કમ્યુનિકેટર?
આપણે આપણી વાતચીતની શૈલી કઈ રીતે સુધારી શકીએ? કઈ રીતે આપણે આપણા શબ્દોને એવી રીતે પરોવીએ કે એ સામે વાળના મગજ પર સકારાત્મક અને પ્રભાવશાળી છાપ છોડે?
રોબર્ટ બોલ્ટને લખેલા વિશ્વપ્રસિદ્ધ પુસ્તક પીપલ સ્કિલ્સમાં આ પ્રશ્નને લગતા ઘણા જવાબો મળે છે. બોલ્ટને આ પુસ્તક લખવા પાછળ 6 વર્ષ આપ્યા અને હજારો લોકો પર આ પુસ્તકમાં લખેલી ટેક્નિકનો ઉપયોગ કરીને પણ જોયું. કમ્યુનિકેશન સ્કિલ આપણા જીવનમાં ખૂબ મહત્વની છે, પછી એ આપણે હોસ્પિટલમાં કામ કરતા હોય અથવા વ્યાપારી હોય અથવા કોઈ પંડિત હોય. જેટલા સારા આપણે કમ્યુનિકેટર બનીશું, એટલી સફળતા આપણને પોતાના નિજી અને વ્યવસાયિક જીવનમાં મળશે. ચોકકસ કમ્યુનિકેશન સ્કિલ આપણને સાંત્વના, સમજણ, ધ્યાન એ બધાનું વિકલ્પ નથી, પરંતુ ખૂબ મહત્વની તો છે જ.
સારા કમ્યુનિકેટર બનવા માટે કઈ વસ્તુઓ કરીશું?
લોકોને જજ કરવું મૂકવું પડશે - જ્યારે આપણે કોઈ જોડે વાત કરતા વખતે એને સારી અથવા ખરાબ રીતે જજ કરીએ છે, જેમકે “બુદ્ધિશાળી”, “મૂર્ખ”, “ચાંપલો”, “ડાહ્યો”, વિગેરે ત્યારે એ વ્યક્તિ લેબલ બની જાય છે અને વ્યક્તિ થતો મટી જાય છે. એના કારણે એના વિચારો અને લાગણી સમજી શકવાની આપણી ક્ષમતા સમાપ્ત થઇ જાય છે. સાંભળીને આપણે સલાહ તરત આપી દઈએ છે. પરંતુ એ સલાહ સાંભળવાની ક્ષમતા સામે વાળામાં છે કે નહીં એ જોવાની પણ તસ્દી આપણે લેતા નથી.
સારા શ્રોતા બનવું - ઇતિહાસ વાંચીએ તો સમજાશે કે જે પણ લોકો સારા વક્તા થયા છે, એ લોકો ખૂબ જ સારા શ્રોતા હતા અને જીવન ભર રહ્યા છે. એક સારા શ્રોતા બનવા માટે સાચા રસથી સામે વાળની વાત સાંભળવાની તૈયારી અને પોતાના દ્રઢ વિચારોને એક બાજુ મૂકી નવું શીખવા અને જાણવાની આવડત હોવી જરૂરી છે.
એક રિસર્ચએ એવું જણાવ્યું છે કે 75% કોમ્યુનિકેશનમાં ગેરસમજણ થતી હોય છે. સારા શ્રોતા બનવું એટલે ખાલી સામ્ભળવુ જ નહીં, પરંતુ સાંભળવું અને સમજવું બન્ને.
નોન- વર્બલ કોમ્યુનિકેશન પણ આ વસ્તુ માટે એટલું જ જરૂરી છે. આપણને સામાન્યપણે ખબર પડી જતી હોય છે કે સામે વાળું વ્યક્તિ આપણી વાતમાં કેટલો રસ ધરાવે છે. એટલે કહ્યા વિના આપણા ઉભા રહેવાની શૈલી થી લઈને બીજું કોઈ નાનું મોટું કામ મૂકી સામે વાળાને સાંભળવાની કોશિશ કરવી એ ખૂબ જરૂરી છે. આપણે મોટા ભાગના લોકો પોતાનો ફોન વાત કરતા કરતા પણ મૂકી શકતા નથી.
કઈ સારું બોલવું - એક વસ્તુ આપણે બધા ખૂબ ઓછા ઉપયોગમાં લઈએ છે જે છે કોઈ ને કંઈક સારું બોલવું. સાચું માનશો એમાં કોઈ જ ખર્ચ થતો નથી! એકદમ ફ્રીમાં તમે કોઈ ને કહી શકો છો “તારા ચશ્મા સરસ છે” અથવા “મને તારી સહનશીલતા ખૂબ ગમે છે” અથવા “મને તારી કામ પ્રત્યેની મહેનત ખૂબ ગમે છે” કોઈ પણ વ્યક્તિને સારું સાંભળવું હમ્મેશા ગમશે જ. આ વસ્તુ વધારે કરવું એ ગુનો અથવા મસ્કો નથી, એક સાદી શિસ્ત છે જે બધાએ કેળવવી જોઈએ.
કઠોર વાક્યો - કમ્યુનિકેશન દરમ્યાન આપણને પોતાનો પોઇન્ટ રાખવાનો પૂરતો હક છે અને હમેશા રહેશેજ. પણ એ આપણે કઈ રીતે રાખીએ છે, એ ખૂબ જરૂરી છે. કોઈને મનદુઃખ ન થાય, કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે અને પ્રેમથી અને વિવેકથી આપણે જો આપનો મન્તવ્ય જણાવીશું તો કોઈ પણ ને સાંભળવો પણ રસપ્રદ લાગશે.
મન : વાક્યની શરૂઆત “મારુ એવું માનવું છે …. “ થી કરીશું તો જીવન બધા માટે સહેલું બનશે.
શું તમારો બાળક વધુ પડતોજ તોફાની છે?
સમીર એક 7 વર્ષનો બાળક છે. એના માતા-પિતા મનોચિકિત્સક પાસે આવીને માથે હાથ રાખીને બોલ્યા કે સમીરની સ્કૂલથી સતત સમીરના તોફાનોની અને રઘવાટની ફરિયાદોથી હવે અમે થાકી ગયા છે. માત્ર સ્કૂલ પર જ નહીં, ઘરે પણ સમીર સતત હાયપરએક્ટિવ રહે છે. સમીર ઘરે હોય ત્યારે એને એક જગ્યાએ બેસાડી રાખવો ખૂબ અઘરું થઇ પડે છે. સતત એક જગ્યા થી બીજી જગ્યા ભાગ દોડ કરવું, જમવા બેસાડે ત્યારે પણ સતત દોડ દોડ કરવું. જ્યારે પણ કોઈ જગ્યાએ જવાનું થાય અને લાઈનમાં ઉભું રહેવાનું થાય ત્યારે એ પોતાના વારાની રાહ જ ન જોઈ શકે. એનામાં હાયપરએક્ટિવિટી એટલી બધી વધુ છે કે ઘરના બધા એને સાચવી સાચવીને થાકી જાય, પરંતુ સમીર ન થાકે.
સ્કૂલથી પણ સતત સમીરની ફરિયાદો આવે. બીજા વિદ્યાર્થીઓને સતાવવા, ત્યાં પણ પોતાના વારાની રાહ ન જોઈ શકવી, સતત શૈતાનીઓને તોફાનો કરવા અને ક્યારેક કયારેક ગુસ્સો કરવો. ભણવામાં એનું ધ્યાન જ ન લાગે. એનામાં સમજણ, બુદ્ધિશક્તિ, વિગેરે ઓછું છે એવું સહેજ પણ નથી, પરંતુ હાયપરએક્ટિવિટી જ એટલી છે કે એને ભણવામાં ધ્યાન જ નથી રહેતું.
આ બધા લક્ષણો એક ચોક્કસ રોગ એટલે કે એટેંશન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી) ના લક્ષણો કહેવાય.
એડીએચડીના અમુક બીજા લક્ષણો છે:
સતત હાયપરએક્ટિવ રહેવું
સતત તોફાન કરવા
નાની મોટી વસ્તુ ભૂલ્યા કરવું
પોતાના વારાની રાહ ન જોઈ શકવું
એક જગ્યાએ અમુક સમયથી વધુ બેસી ન શકવું
પોતાને ગમતી ક્રિયા પણ અમુક સમયથી વધુ કરી ન શકવી
બુદ્ધિશક્તિ ઓછી ન હોવવી પરંતુ ભણવામાં ધ્યાન ન લાગવું
સમજણ કરતા દાનતમાં તકલીફ લાગવી
ઘર પરિવાર વાળા બધા એને સાચવવાની કોશિશ કરીને થાકી જાય, પરંતુ એ ન થાકે.
એડીએચડી એવો ડિસઓર્ડર છે જેના લક્ષણો પાંચ વર્ષની ઉંમર પહેલા જોવાના ચાલુ થઇ જતા હોય છે. 50 ટકાથી વધુ લોકો ટીનેજ પસાર થાય ત્યાં સુધીમાં એમના આ લક્ષણો બેસી જતા હોય છે અને એ બાળકો એક સામાન્ય જીવન જીવી શકતા હોય છે. પરંતુ, અમુક લોકોને એ લક્ષણો લાંબા સમય સુધી રહેતા હોય છે.
જો તમારા બાળકને આ લક્ષણો હોય તો એક મનોચિકિત્સકને ચોક્કસ બતાવો.
એડીએચડીની સારવાર કઈ રીતે થતી હોય છે?
દવાઓ - અમુક એવી ખાસ દવાઓ હોય છે જે આપણા મગજના જે રસાયણો, જે એડીએચડીમાં ઓછા પ્રમાણમાં બનતા હોય છે, એ બેલેન્સમાં લઇ આવે.
સાઈકોલોજિકલ થેરાપી- અમુક એવી ખાસ ટોક થેરાપી હોય છે જેમાં બાળકને અને વ્હાલીઓને બાળકને કઈ રીતે ટેકલ કરવું અને એની હાયપરએક્ટિવિટીને કઈ રીતે ચેનલાઈઝ કરવી એ શીખવવામાં આવે છે.
સોશિયલ સપોર્ટ- એની સ્કૂલમાં વાત કરવાથી લઇને જો બાળક સ્પોર્ટ્સમાં ભાગ લેતો હોય તો એ દવાઓ લઇ શકે એના સર્ટિફિકેટ આપવા એ બધું એક મનોચિકિત્સક કરી શકે.
મન: એડીએચડી એક એવી બીમારી છે જેનો ઉકેલ છે, પરંતુ મનોચિકિત્સક, વ્હાલી, સ્કૂલ અને સોશ્યલ સર્કલ બધાએ એક જુટ થઇને એક ટીમ બનીને કામ કરવું પડે. મોટા મોટા સ્પોર્ટ્સમેન છે જેમને નાનપણમાં એડીએચડીના લક્ષણો હોય છે, પરંતુ સાચા અર્થમાં એક્ટિવિટીને ચેનેલાઇઝ કરીને એના ઉપર વિજય પામે છે.
આપણને ગોસિપમાં મજા કેમ આવે છે?
દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે સ્વીકારે કે એમને ગોસિપ કરવું ગમે છે અને બીજા જે ન સ્વીકારે. પરંતુ એવું વ્યક્તિ હોતું જ નથી કે જેને ગોસિપમાં રસ ન હોય કારણકે એ એક સામાન્ય મનુષ્ય ક્રિયા છે જે પેઢીઓથી આપણામાં વણાયેલી છે.
સામાન્યપણે આપણે વિચારીએ છે કે ગોસિપ એટલે કોઈનું ખરાબ બોલવું એ જ. પરંતુ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગોસિપ એટલે કોઈ પણ વ્યક્તિની ગેરહાજરીમાં કરેલી એના વિષે વાતો. એ વાતો સારી અથવા ખરાબ પણ હોઈ શકે છે.
તો આપણને ગોસિપ કરવી આટલી ગમે છે કેમ? વાંદરાઓને ધ્યાનથી જોઈએ તો એ ઘણી વાર એકબીજાના શરીર માંથી જીવડાં કાઢી આપતા જોવા મળે છે. એક બીજાની મદદ કરતા જોવા મળે છે. મનુષ્યને એ કરવાની તો જરૂર નથી પડતી, પરંતુ એક બીજા વિષે વાતો કરવી, એ આપણા સામાજિક જીવનનું મૂળ છે. ગોસિપની આ પરિભાષામાં આપણા સમાચારો, આપણા મેગેઝીન, ટીવી સિરિયલો, વિગેરેનો પણ સમાવેશ થઇ જાય છે.
મનુષ્ય સામાજિક જીવન હજારો વર્ષો સુધી જાળવી એટલે જ શક્યો છે કારણકે સતત માહિતીની આપ લે કર્યા કરે છે. એ માહિતી વાંચનથી, બોલવાથી, સાંભળવાથી, વિગેરે મળે છે. પરંતુ કોઈ વિષે ખરાબ બોલવા અથવા સાંભળવામાં જે આનંદ મળે એ સારું બોલવામાં થોડો મળે છે! એવું વળી કેમ?
કોઈ વિષે આપણે ખરાબ બોલીએ અથવા સાંભળીએ તો એ આપણા મગજમાં રહેલા અમુક એવા વિસ્તારો પોષે છે જે આપણને ખૂબ ખુશી આપે છે. આ ખુશી એ માણસ ખરાબ હોવા કરતા, આપણે એના કરતા સારા હોવાનો આભાસ અપાવે એટલે આપણને ખુશી આપે છે. આપણે એ ભૂલી જતા હોઈએ કે એવા દસ મુદ્દાઓ આપણા પોતાના પણ હોવાના જે સામે વાળું જ વ્યક્તિ આપણી ગેરહાજરીમાં બોલવાનું! પરંતુ એ આપણે સાંભળવાનું ક્યાં આવે છે!
વળી એ ખરાબ ગોસિપના કારણે સમાજમાં એક એવો મેસેજ પણ જતો હોય છે કે શું સામાજિક રીતે સ્વીકૃત છે અને શું નથી, એટલે નાના હતા ત્યારે આપણા માતા પિતાને જે વસ્તુ વિષે ખરાબ બોલતા કે વ્યક્તિ વિષે ખરાબ બોલતા સાંભળતા એ ન કરવાની આપણે કોશિશ કરતા.
મન : કુલ વિચારીએ તો ગોસિપ કરવું ખરાબ કે સારું છે એ પ્રશ્ન નથી… અથવા ગોસિપ મને તો ન ગમે એ શક્ય પણ નથી.. પ્રશ્ન એ છે કે તમને કઈ પ્રકારની ગોસિપ ગમે છે અને તમે એનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ.